વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા 52 વર્ષીય પ્રિતેશ જાદવનું અચાનક તબિયત લથડતા મોત નીપજ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મૃતક કેદીને ગતરોજ જ કોર્ટે સજા ફટકારી હતી અને જેલના સળિયા પાછળ મોકલ્યા હતા.

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી મોત નીપજ્યું

મૃતક પ્રિતેશ જાદવ વિરુદ્ધ કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં વડોદરા કોર્ટે ગઈકાલે જ મહત્વનો ચુકાદો આપતા પ્રિતેશભાઈને દોઢ વર્ષની જેલની સજા અને રૂપિયા 1.50 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના આ આદેશ બાદ તેમને પાકા કામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો

જેલમાં ગયાના બીજા જ દિવસે, એટલે કે આજે અચાનક પ્રિતેશ જાદવની તબિયત લથડી હતી. જેલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો તેમની સારવાર શરૂ કરે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ડોક્ટરોએ તેમને 'બ્રોટ ડેડ' (લાવતા પહેલા જ મૃત) જાહેર કર્યા હતા.

પરિવારમાં શોક અને તપાસની કાર્યવાહી

માત્ર એક દિવસ પહેલા સજા સંભળાવ્યા બાદ અચાનક મોતના સમાચાર મળતા પ્રિતેશભાઈના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જેલ પ્રશાસને હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોત હાર્ટ એટેકથી થયું છે કે અન્ય કોઈ બીમારીના કારણે.

આ પણ વાંચો:ભોમેશ્વર ફાટક પાસે 40 વર્ષીય પ્રૌઢની કરપીણ હત્યા, ફ્લેટમાંથી મળી લોહીલુહાણ છરી