આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામે બનેલી સળગાવવાની ઘટનાએ નવો જ વળાંક લીધો છે. અત્યાર સુધી જે ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે જોવામાં આવતી હતી, તેમાં હવે એક ખળભળાટ મચાવતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આક્ષેપ કરનાર વ્યક્તિ પોતે જ પોતાના શરીર પર આગ ચાંપતો હોવાનું સ્પષ્ટ દેખાય છે.
શરીર પર પેટ્રોલ છાંટીને સળગવાનો પ્રયાસ
સામે આવેલા નવા વીડિયો ફૂટેજ મુજબ, આક્ષેપ કરનાર ભરત પઢિયાર અગાઉથી જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આવ્યા હતા. તેઓ સીધા સરપંચના પુત્રની ગાડી પાસે પહોંચ્યા હતા અને અચાનક દીવાસળી ચાંપી દીધી હતી. દીવાસળી ચાંપતાની સાથે જ આધેડ ભડભડ સળગી ઉઠ્યા હતા. આ જોઈ આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.
ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
અંબાવ ગામના સરપંચ સામે લાંબા સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા હતા. ભરત પઢિયારે આક્ષેપ કર્યો હતો કે સરપંચના પરિવારે તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે ગામમાં તંગદિલી સર્જાઈ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે પણ શરૂઆતમાં પ્રાથમિક વિગતોના આધારે મહિલા સરપંચ, સરપંચના પતિ, સરપંચના બે પુત્રો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ તપાસની બદલાતી દિશા
શરૂઆતમાં આ કેસ 'જીવતા સળગાવવાના પ્રયાસ' તરીકે નોંધવામાં આવ્યો હતો, પરંતુ હવે પોતે જ આગ ચાંપી હોવાનો વીડિયો પુરાવા તરીકે સામે આવતા પોલીસની તપાસની દિશા બદલાઈ ગઈ છે. આ વીડિયો પુરાવો સરપંચ પરિવાર માટે મોટી રાહત સમાન બની શકે છે, જ્યારે આક્ષેપ કરનાર ભરત પઢિયાર હાલ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી સારવાર હેઠળ છે. વિવાદ વકરતા અંબાવ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. સત્ય શું છે તે જાણવા માટે પોલીસ હવે આ નવા વાયરલ વીડિયોની એફએસએલ (FSL) દ્વારા તપાસ કરાવી શકે છે.
આ પણ વાંચો: યુવક પર હુમલાના કેસમાં CCTVના આધારે 4 શખ્સો ઝડપાયા, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન