આણંદ શહેરમાં હોળીના તહેવારની ઉજવણી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના એક ગેરેજ નજીક હોળી પ્રગટાવવામાં આવી રહી હતી, જે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા ગેરેજમાં પાર્ક કરેલી ત્રણ કાર અને આખું ગેરેજ બળીને ખાખ થઈ ગયું છે.

ગેરેજમાં આગ ભભૂકી 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગેરેજની નજીકમાં જ હોળી પ્રગટાવવામાં આવી હતી. આ દરમિયાન હોળીના તણખાને કારણે નજીકમાં પડેલો કચરો ઝપેટમાં આવી ગયો હતો. જોતજોતામાં કચરામાં લાગેલી આગ વિકરાળ બની હતી અને પવનના કારણે ગેરેજ સુધી પ્રસરી ગઈ હતી. આગની લપેટમાં ગેરેજનો શેડ અને ત્યાં રિપેરિંગ માટે આવેલી ત્રણ કાર આવી ગઈ હતી.

3 ફાયર ફાઈટરની મદદથી કાબૂ

આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા, જેના કારણે સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ 3 ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ત્રણેય કાર અને ગેરેજનો શેડ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા.

આ પણ વાંચો: Anand: આણંદની કસ્તુરબા વિદ્યાલયની હોસ્ટેલમાં માતમ, 15 વર્ષની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું