આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ, રામનવમી નિમિત્તે ભવ્ય અને શાંતિપૂર્ણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. "જય શ્રી રામ" ના ગગનભેદી નારા અને ભક્તિમય માહોલમાં અનેક ભક્તો આ પવિત્ર મહોત્સવમાં જોડાયા હતા.

ભવ્ય શોભાયાત્રા

રામનવમીને લઈને સમગ્ર પેટલાદ શહેરમાં પવિત્રતા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નગરપાલિકા મેદાન સામે આવેલ શ્રી રામ મંદિરથી પરંપરાગત ભવ્ય શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. શણગારેલા રથોમાં ભગવાન શ્રી રામની મૂર્તિઓના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

શોભાયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર પોલીસ ઈન્સ્પેક્ટર (PI), પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ શોભાયાત્રાના સમગ્ર રૂટ ઉપર સતત હાજર રહી દેખરેખ રાખી રહ્યા હતા.

દર્શનનો લ્હાવો

શોભાયાત્રાના માર્ગ પર લોકોએ પુષ્પવર્ષા કરીને ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું હતું. રસ્તાની બંને બાજુ ઉભેલા અનેક ભક્તોએ શોભાયાત્રાના દર્શનનો લ્હાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.


આ પણ વાંચો - Anand: બોરસદ રોડ પર કાળમુખી XUV કારે બાઈક સવાર બે યુવકોને કચડ્યા, મજૂરી કામથી ઘરે જતી વખતે સર્જાયો અકસ્માત