આણંદ-બોરસદ રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જેમાં પુરપાટ ઝડપે દોડતી એક XUV કારના ચાલકે બાઈક સવાર બે યુવકોને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતક યુવકો મજૂરી કામ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળમુખી કારે તેમને અડફેટે લીધા હતા.

XUV કાર 100 થી વધુની સ્પીડે દોડી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, XUV કાર 100 થી વધુની સ્પીડે દોડી રહી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને યુવકો હવામાં ફંગોળાયા હતા અને રોડ પર પટકાતા ગંભીર ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર અંદાજે 1 કિલોમીટર દૂર જઈને એક દીવાલમાં ભટકાઈ હતી. અકસ્માત બાદ કારમાં સવાર શખ્સો વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયા છે.

પરિવારમાં માતમ છવાયો

મૃતક યુવકોમાં એક ઢુંઢાકુવા અને બીજો સુરકુવા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને યુવકો પોતાના પરિવારનો ગુજારો કરવા મજૂરી કામ કરતા હતા. આ ઘટનાની જાણ થતા જ આણંદ ગ્રામ્ય પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મેડિકલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

આ પણ વાંચો: Vadodara: અટલાદરા બ્રિજ નીચે માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરનો આતંક, અકસ્માત સર્જી ચાલક ફરાર