આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં લાંબા સમયથી ટ્રાફિક અને અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો પર આખરે તંત્રએ લાલ આંખ કરી છે. ઉમરેઠ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી શહેરના મુખ્ય માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પોલીસ અને પાલિકાની ટીમ મેદાને
ઉમરેઠ બસ સ્ટોપ વિસ્તારમાં સતત લોકોની અવરજવર રહેતી હોય છે, પરંતુ રસ્તાની બંને બાજુએ ખડકાયેલા દબાણોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ઉમરેઠ પોલીસ અને નગરપાલિકાની દબાણ શાખાની ટીમે વહેલી સવારથી જ મોરચો સંભાળ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.










