આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ગાડા ગામે જમીન હડપવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પિતરાઈ ભાઈએ જ પોતાની યુકે (UK) રહેતી બહેનનો વિશ્વાસ તોડી, જમીનના બોગસ દસ્તાવેજો બનાવી જમીન બારોબાર વેચી દેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સોજીત્રા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જમીન હડપવાનો એક ચોંકાવનારો કિસ્સો
મળતી માહિતી મુજબ, મૂળ લાંભવેલના અને હાલ યુકે સ્થાયી થયેલા નયનાબેન પટેલની સોજીત્રાના ગાડા ગામે કિંમતી જમીન આવેલી હતી. આ જમીનની દેખરેખ રાખવાની જવાબદારી તેમના કૌટુંબિક પિતરાઈ કાકાના દીકરા જનક રમેશભાઈ પટેલને સોંપવામાં આવી હતી. જોકે, જનક પટેલે બહેનના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી, પિતરાઈ બહેનની બોગસ સહીઓ કરી નકલી પાવર ઓફ એટર્ની તૈયાર કરી લીધી હતી. આ બોગસ દસ્તાવેજોના આધારે જનક પટેલે જમીન ત્રીજી વ્યક્તિને બારોબાર વેચી મારી હોવાનું સામે આવ્યું છે.
