વલ્લભવિદ્યાનગરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંની એક આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા શૈક્ષણિક જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, વિદ્યાર્થિનીના પિતાએ આ ઘટનાને આત્મહત્યા માનવાનો ઇનકાર કરતા મામલો ગૂંચવાયો છે.

વલ્લભ વિદ્યાનગરમાં વિદ્યાર્થિનીનો આપઘાત

મૂળ કઠલાલની વતની અને દહેમીની ભાર્ગવા આયુર્વેદ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિધિ પરમાર નામની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વિધિ મેડિકલના અભ્યાસમાં તેજસ્વી હતી, ત્યારે અચાનક ભરેલા આ પગલાથી તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ અને કોલેજ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો છે.

હોસ્ટેલના રૂમમાં પંખે લટકતી હાલતમાં મળી લાશ

પુત્રીના મોતના સમાચાર મળતા જ પરિવાર વલ્લભવિદ્યાનગર દોડી આવ્યો હતો. વિધિના પિતાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, "અમારી દીકરી ક્યારેય આત્મહત્યા કરી શકે નહીં." પરિવારને આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ હોવાની શંકા છે, જેના પગલે તેમણે તટસ્થ તપાસ માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી છે.

પોલીસ કાર્યવાહી

વલ્લભવિદ્યાનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી; કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:Gir Somnath: પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો મામલો, 5 શખ્સો સામે ગુનો દાખલ