ગીર સોમનાથ જિલ્લાના નાંદરખ ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ફરજ પર ગયેલા પોલીસ કર્મચારીઓ સાથે ગામના કેટલાક શખ્સોએ ઉદ્ધત વર્તન કરી, ઝપાઝપી કરી હોવાની ઘટના બની છે. આ મામલે પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને જાતિ પ્રત્યે અપમાનિત કરવા બદલ 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નાંદરખમાં પોલીસ સાથે ઝપાઝપી
નાંદરખ ગામે કોઈ બાબતે તપાસ અર્થે ગયેલા પોલીસ કર્મચારીઓ પર કેટલાક શખ્સોએ રોષ ઠાલવ્યો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ આ શખ્સોએ પોલીસ કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને વાત એટલી હદે વધી ગઈ હતી કે એક શખ્સે પોલીસ કર્મચારીનો કોલર પકડી લીધો હતો. આ દરમિયાન પોલીસને ગાળો ભાંડીને શારીરિક રીતે અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધની ધમકી
હુમલાખોર શખ્સોએ કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વગર પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો. તેમણે ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે, જો પોલીસ હવે પછી અમારા ગામમાં પગ મૂકશે તો જોઈ લઈશું. આ પ્રકારની ધમકી અને પોલીસ સાથેની ઝપાઝપીના કારણે સુરક્ષા તંત્રમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ કાર્યવાહી
આ સમગ્ર મામલે ભોગ બનનાર પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે સરકારી ફરજમાં રૂકાવટ (IPC 186/353 મુજબ), જાતિ પ્રત્યે અપમાનિત કરવા (Atrocity Act),ધમકી અને હુમલો જેવી ગંભીર કલમો હેઠળ કુલ 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગીર સોમનાથ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો રવાના કરી છે.
આ પણ વાંચો:Surat: પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત, જાણીતા ડોક્ટરની કારે 5 લોકોને લીધા અડફેટે