ગુજરાતના ખેડૂતોને ખેતીના મુખ્ય ઘટક એવા ખાતરમાં સસ્તા ભાવની લાલચ આપીને નકલી અને ભેળસેળયુક્ત ખાતર પધરાવી દેવાનું એક ખૂબ જ ગંભીર કૌભાંડ આણંદ જિલ્લામાંથી ઝડપાયું છે. આણંદ એસઓજી પોલીસની ટીમે વડોદ ગામની સીમમાં સચોટ બાતમીના આધારે દરોડા પાડીને ફેક્ટરી અને ગોડાઉનમાંથી નકલી ખાતર બનાવવાનું આખું નેટવર્ક પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
કૃષિ વિભાગના પરીક્ષણમાં પોલ ખુલી
ઘટનાની વિગત એવી છે કે, વડોદ ગામ પાસે શંકાસ્પદ રીતે ખાતરનું રી-પેકિંગ અને કેમિકલ ભેળવવાનું કામ ચાલતું હોવાની બાતમી એસઓજીને મળી હતી. પોલીસે રેડ પાડીને ઘટનાસ્થળેથી મોટા જથ્થામાં ખાતર ભરેલી ગુણો મેળવી હતી. આ અંગે તાત્કાલિક આણંદ જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કૃષિ વિભાગની ટીમે સ્થળ પર આવીને ખાતરના નમૂના (સેમ્પલ) લઈને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલ્યા હતા. આ પરીક્ષણના રિપોર્ટમાં આંચકો આપનારો ખુલાસો થયો હતો કે, સ્થળ પરથી મળી આવેલું ખાતર તદ્દન બનાવટી, નકલી અને પાકને નુકસાન કરે તેવું ભેળસેળયુક્ત છે.
