પેટલાદ શહેર પોલીસની સતર્કતા અને માનવીય અભિગમને કારણે એક વૃદ્ધાની જીવનભરની મૂડી સમાન રકમ ગણતરીના કલાકોમાં પરત મળી છે. રિક્ષામાં ભૂલી ગયેલી રોકડ રકમ અને દાગીના ભરેલી બેગ શોધી આપીને પોલીસે 'સેવા, સુરક્ષા અને શાંતિ'ના સૂત્રને સાર્થક કર્યું છે.


વૃદ્ધાની જીવનભરની મૂડી સમાન રકમ પરત મળી

પેટલાદના સિહોલ ગામના રહેવાસી શાંતાબેન પોતાની દીકરીને આર્થિક મદદ કરવા માટે ૨૩ હજાર રૂપિયા રોકડા અને અન્ય કિંમતી સામાન ભરેલી બેગ લઈને નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન તેઓ ભૂલથી આ બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. રિક્ષામાંથી ઉતર્યા બાદ જ્યારે તેમને ભાન થયું કે પોતાની કિંમતી બેગ રિક્ષામાં રહી ગઈ છે, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પોલીસની ત્વરિત કામગીરી

શાંતાબેને તાત્કાલિક પેટલાદ શહેર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો અને સમગ્ર હકીકત જણાવી. મામલાની ગંભીરતા જોઈને શહેર પોલીસ અને ૧૧૨ની ટીમ એક્શનમાં આવી હતી.પોલીસે શહેરના વિવિધ માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી જે રિક્ષામાં શાંતાબેન બેઠા હતા તેની ઓળખ કરી લેવામાં આવી. પોલીસે રિક્ષા ચાલકનો સંપર્ક કરી ગણતરીના કલાકોમાં જ ૨૩ હજાર રૂપિયા ભરેલી બેગ સુરક્ષિત રીતે મેળવી લીધી હતી.

વૃદ્ધાની આંખમાં હર્ષના આંસુ

પોતાની મહેનતની કમાણી પરત મળતા શાંતાબેન ગદગદિત થઈ ગયા હતા. તેમણે પેટલાદ શહેર પોલીસ અને ૧૧૨ની ટીમનો આભાર માન્યો હતો. સ્થાનિક લોકોમાં પણ પોલીસની આ કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: કેડિલા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત, કારમાં લોખંડના સળીયા ઘૂસી જતાં સર્જાયા ભયાનક દ્રશ્યો!

  • Follow us on: