ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એસટી ડેપોમાં આજે એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો. ડેપોમાં પાર્ક કરેલી એક બસની પાછળ અન્ય એક એસટી બસ જોરદાર ધડાકા સાથે અથડાતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, પાર્ક કરેલી બસ ધસીને નજીકની સોસાયટીની દીવાલ સાથે અથડાઈ હતી.
સોસાયટીની દીવાલને વ્યાપક નુકસાન
ઘટનાની મળતી માહિતી અનુસાર, ડેપોમાં એક બસ સ્થિર ઊભી હતી, ત્યારે પાછળથી આવી રહેલી અન્ય એસટી બસના ચાલકે કાબૂ ગુમાવતા તે ઉભેલી બસમાં ભટકાઈ હતી. ટક્કરને કારણે આગળ ઉભેલી બસ ડેપોની અડીને આવેલી ગુલનાર સોસાયટીની દીવાલ સાથે જઈ અથડાઈ હતી. જેના કારણે દીવાલને મોટું નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આવી જ રીતે એસટી બસ અથડાવાને કારણે આ દીવાલને નુકસાન થયું હતું.













