ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે એક ભયાનક અગ્નિકાંડની ઘટના સામે આવી છે. હાઈવે પર પાર્ક કરવામાં આવેલા એક કેમિકલ ભરેલા કન્ટેનરમાં અકળ કારણોસર આગ ફાટી નીકળી હતી. કેમિકલ હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
ધુમાડાના ગોટેગોટાથી ભયનો માહોલ
આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી નજરે પડતા હતા. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભય વ્યાપી ગયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલ હોવાથી બ્લાસ્ટ થવાની આશંકાએ લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
સર્વિસ રોડ કરાવાયો ખાલી
ઘટનાની જાણ થતા જ અંકલેશ્વરની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને નગરપાલિકાની ફાયર ફાઇટરોની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સુરક્ષાના ભાગરૂપે કન્ટેનરની આસપાસનો સર્વિસ રોડ તાત્કાલિક ખાલી કરાવી દીધો હતો. આગને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
જાનહાનિ ટળી
ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે કન્ટેનર પાર્ક કરેલું હતું અને આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હાલ પોલીસે અકસ્માત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat: ઉધના સ્ટેશન રેલવે માટે આવકનું કેન્દ્ર બન્યું, 30 દિવસમાં 10 કરોડથી વધુની આવક