અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામમાં પ્રેમ સંબંધની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોતાની બહેન સાથેના પ્રેમ સંબંધ મામલે ઠપકો આપવા ગયેલા યુવક પર પ્રેમીએ ઉશ્કેરાઈને ચપ્પા વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.
ઠપકો આપતા પ્રેમી ઉશ્કેરાયો
ઘટનાની મળતી માહિતી મુજબ, બોલુન્દ્રા ગામમાં એક યુવકને ગામની જ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતની જાણ યુવતીના પારિવારિક ભાઈને થતા તેણે પ્રેમી ધીરજને ઠપકો આપ્યો હતો અને સંબંધ તોડી નાખવા જણાવ્યું હતું. પોતાની પ્રેમિકાના ભાઈનો આ ઠપકો પ્રેમીને પસંદ આવ્યો ન હતો અને તેણે વેર વાળવાનું નક્કી કર્યું હતું.
ચપ્પાના ઘા ઝીંકી ખેલ્યો લોહિયાળ ખેલ
પ્રેમી ધીરજે અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને યુવતીના ભાઈ પર હુમલો કર્યો હતો. તકરાર દરમિયાન ઉશ્કેરાયેલા ધીરજે યુવક પર ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટના બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસે ત્રણેય હત્યારાઓને ઝડપી લીધા
ઘટનાની જાણ થતા જ ભિલોડા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે પ્રેમી ધીરજ સહિત કુલ ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી ધીરજ અને તેના બે સાથીદારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો - Aravalli News: શામળાજી પોલીસે ચંપલના બોક્સમાં છુપાવેલો લાખોનો દારૂ ઝડપ્યો, રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો હતો જથ્થો