ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. માલપુર તાલુકામાં આવેલા વાત્રક જળાશયમાંથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી જિલ્લાના ત્રણ તાલુકાના હજારો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બંને કાંઠાની કેનાલોમાં પાણીનો પ્રવાહ
સિંચાઈ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, વાત્રક જળાશયની જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આમ, કુલ 120 ક્યુસેક પાણી છોડાતા છેવાડાના ખેતરો સુધી સિંચાઈની સુવિધા પહોંચશે.
