રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત રહે તે માટે ગીર સોમનાથ પોલીસે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગીરગઢડા તાલુકામાં બનેલી 5 વર્ષની બાળકીના અપહરણ અને પોક્સો (POCSO) ની ગંભીર ઘટનામાં પોલીસે માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં તમામ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
ઘટના અને પોલીસની ત્વરિત કાર્યવાહી
ગયા મહિનાની 30 માર્ચના રોજ આ હૃદયદ્રાવક ઘટના બની હતી. બનાવની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને જનરક્ષક 112 ની મદદથી ભોગ બનનાર બાળકીને તાત્કાલિક સુરક્ષા તેમજ સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતા મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં પીડિતાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસની સક્રિયતાને કારણે માત્ર 24 કલાકમાં એટલે કે 31 માર્ચે મુખ્ય આરોપી જેરામભાઈ જાદવને ઝડપી લેવામાં આવ્યો હતો.
