અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા પહાડી વિસ્તારોમાં ગત મોડી સાંજથી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ડુંગરાળ વિસ્તારમાં લાગેલી આ આગ એટલી વિકરાળ છે કે દૂર-દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા અને અગ્નિની જ્વાળાઓ નજરે પડી રહી છે. આ આગને કારણે વિસ્તારની અમૂલ્ય વનરાજી અને જીવસૃષ્ટિને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
શામળાજીના ડુંગરામાં ભીષણ આગ
મોડી સાંજથી શરૂ થયેલી આ આગ રાત્રિના અંધારામાં વધુ પ્રચંડ બની હતી. ડુંગરાળ અને દુર્ગમ વિસ્તાર હોવાથી આગ પર કાબૂ મેળવવો વન વિભાગ માટે પણ પડકારરૂપ બની રહ્યો છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સુકા ઘાસ અને તેજ પવનના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે.
