ધ્રાંગધ્રાના પ્રતિષ્ઠિત ડોક્ટર આશિષ શાહને ડ્રગ્સ કેસમાં ખોટી રીતે ફસાવીને મોટી રકમ પડાવવાના ઈરાદે કરવામાં આવેલા કાવતરાનો પર્દાફાશ થયો છે. આ મામલે બજાણા પોલીસ મથકે એક મહિલા સહિત છ આરોપીઓ વિરુદ્ધ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.

ડોક્ટરને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી

ડોક્ટર આશિષ શાહ પોતાની કારમાં અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે માલવણ હાઈવે પર બે ખાખીધારી, એક મહિલા અને અન્ય પુરુષો સહિત કુલ ચાર લોકોએ તેમની કાર અટકાવી હતી. આ શખ્સોએ ખૂબ જ ચતુરાઈથી ડોક્ટરના હાથમાં સફેદ પાવડરનું પેકેટ પકડાવી દીધું હતું અને તરત જ તેમના ફોટા પાડી લીધા હતા. આ ઉપરાંત, તેમનું લાયસન્સ અને મોબાઈલ નંબર પણ મેળવી લીધા હતા.

પ્રતિષ્ઠિત ડોક્ટર સાથે છેતરપિંડી

થોડા સમય બાદ ડોક્ટર શાહને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને 'આઈ.બી. (IB) અધિકારી' હોવાની ઓળખ આપી હતી. તેણે ડોક્ટરને ધમકી આપી હતી કે, જો તેઓ પૈસા નહીં આપે, તો તેમને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દઈને જેલના હવાલે કરી દેવામાં આવશે. સતત મળતી ધમકીઓથી ડોક્ટર શાહ ચોંકી ઉઠ્યા હતા.

પોલીસ કાર્યવાહી

પોતાની સાથે થયેલી આતરપ્રાંતિય કક્ષાની છેતરપિંડીનો અહેસાસ થતા, ડોક્ટર આશિષ શાહે હિંમત દાખવીને બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ આ કેસની તપાસ બજાણાના ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા ચલાવી રહ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gir Somnath: સુત્રાપાડાના કદવાર ગામમાં સિંહના આટાફેરા, CCTVમાં કેદ થયા દ્રશ્યો