રાજસ્થાન સરહદે આવેલા અરવલ્લી જિલ્લામાં પોલીસે નશાના કારોબારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ હેઠળ છેલ્લા સમયગાળા દરમિયાન જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના તોતિંગ જથ્થાનો આજે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 9.15 કરોડની કિંમતનો દારૂ નષ્ટ થયો છે.

વિદેશી દારૂના જથ્થાનો નાશ 

અરવલ્લી જિલ્લાના મોડાસા ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા કુલ 304 જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલો વિદેશી દારૂ શામળાજી ખાતે લાવવામાં આવ્યો હતો. આ જથ્થાને નાશ કરવા માટે શામળાજી જીએસટી ગ્રાઉન્ડ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી અને ડીવાયએસપી (DYSP) ની અધ્યક્ષતામાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રોલર ફેરવીને આ દારૂના જથ્થાને કચડી દેવામાં આવ્યો હતો.

વ્યાપક સુરક્ષા વ્યવસ્થા

આટલા મોટા પ્રમાણમાં દારૂનો નાશ કરવા માટે સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 7 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સહિત કુલ 65 પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Vadodara: કરજણ પોલીસે જપ્ત કરેલા 4.45 કરોડના વિદેશી દારૂના જથ્થા પર ફેરવ્યું બુલડોઝર, બામણગામ પાસે નાશ કરાયો