સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે અરવલ્લી જિલ્લા ભાજપમાં મોટો 'મેન્ડેટ કાંડ' સામે આવ્યો છે. ગઢા તાલુકા પંચાયતની બેઠક પર પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારને પડતા મૂકી છેલ્લી ઘડીએ અન્ય વ્યક્તિને મેન્ડેટ આપી દેવાતા સંગઠનમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

એક જ બેઠક પર ભાજપના બે ઉમેદવાર

ઘટનાની વિગત અનુસાર, ગઢા તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપની સત્તાવાર યાદીમાં જાહેર થયેલા ઉમેદવાર શિલ્પાબેન વિજયસિંહ મકવાણાએ બપોરે 12:39 વાગ્યે વાજતે-ગાજતે પોતાનું ફોર્મ ભર્યું હતું. જોકે, ફોર્મ ભરવાના અંતિમ સમય એટલે કે 3 વાગ્યા પહેલા અચાનક જ નીલમબેન ઝાલા પક્ષના મેન્ડેટ સાથે હાજર થયા હતા અને તેમણે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, છેલ્લી ઘડીએ શિલ્પાબેનનો મેન્ડેટ રદ્દ કરી નીલમબેનને ટિકિટ સોંપી દેવામાં આવી છે.

સગાવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપ

આ ફેરફારને પગલે કપાયેલી ટિકિટના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કાર્યકરોનો આક્ષેપ છે કે, બોડી ગામના જ પાયાના કાર્યકરની ટિકિટ કાપીને સગાવાદના આધારે એ જ ગામના અન્ય વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવી છે. કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, 'કમલમ' ખાતે રજૂઆત કરવા છતાં કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી.

કાર્યકરોમાં રોષનું મોજું

છેલ્લી ઘડીએ થયેલા આ ‘મેન્ડેટ કાંડ’ને કારણે ભાજપના શિસ્તબદ્ધ ગણાતા કેડરમાં ગાબડું પડ્યું હોય તેમ જણાય છે. સગાવાદ અને પક્ષના પાયાના કાર્યકરોની અવગણનાના આક્ષેપોને કારણે આગામી ચૂંટણીમાં આ બેઠક પર ભાજપને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Gujarat local election 2026: ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કુબેરનગરથી કર્યા શ્રીગણેશ