અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગામમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં રહેતા એક શખ્સે પોતાની જ પત્ની પર કુહાડી વડે રાક્ષસી હુમલો કરી તેના બંને પગ તોડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 46 વર્ષીય રમીલાબેનને તેના પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની શંકા હતી, જે બાબતે તેમણે પતિને ઠપકો આપ્યો હતો. આ આક્ષેપથી ઉશ્કેરાયેલા હેવાન પતિએ આવેશમાં આવી પત્ની પર કુહાડીના ઝીંકી દીધા હતા, જેમાં રમીલાબેનના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.
ચકચારી ઘટના
હુમલા બાદ આરોપી પતિ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં રમીલાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું મનાય છે. આ બનાવની જાણ થતા જ મેઘરજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી, ફરાર પતિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.













