અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ફરી એકવાર વન્ય પ્રાણીના હુમલાની ઘટના સામે આવી છે. ભિલોડાના લીલછા-મૂડી માર્ગ પર આવેલા મઉ સબ સ્ટેશન નજીક એક દીપડાએ યુવક પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે, યુવકની સમયસૂચકતા અને હિંમતને કારણે મોટી જાનહાનિ ટળી છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભિલોડા પંથકનો એક યુવક લીલછા-મૂડી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મઉ સબ સ્ટેશન નજીક કુદરતી હાજતે જવા ઉભો રહ્યો હતો. આ દરમિયાન ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ અચાનક યુવક પર તરાપ મારી હતી. દીપડાના અચાનક હુમલાથી યુવક હેબતાઈ જવાને બદલે મક્કમતાથી સામનો કર્યો હતો. યુવકે હિંમતપૂર્વક સ્વબચાવ કરતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
યુવક સારવાર હેઠળ, વન વિભાગ એક્શનમાં
દીપડાના નહોર વાગવાથી યુવક લોહીલુહાણ થયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ સતર્ક થઈ ગઈ છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દીપડાને પકડવા માટે હુમલાવાળા સ્થળની આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સ્થાનિક ગ્રામજનોમાં દીપડાના આતંકને લઈને રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા લોકોને રાત્રિના સમયે ખેતરમાં કે અવાવરું જગ્યાએ એકલા ન જવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો - Aravalli : મોડાસામાં ભાઈનું ગળું દબાવી ભાઈએ જ કરી હત્યા, નોકરી અને મિલ્કતના વિવાદમાં હત્યા કરી હોવાનો ખુલાસો