અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં શનિવારની વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડુંડવાળા ગામની સીમમાં 16 વર્ષીય સગીરનો મૃતદેહ મહુડાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી ભારે હોબાળો મચાવતા કલાકો સુધી મામલો ગરમાયો હતો.

મેઘરજમાંં સગીરનો મૃતદેહ મળ્યો

મળતી માહિતી મુજબ, ડુંડવાળા ગામનો 16 વર્ષીય કિશોર, રમેશભાઈ લક્ષમણભાઈ, શનિવારની વહેલી સવારે પોતાના ઘરેથી બાઈક લઈને મેઘરજ ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. જોકે, થોડા સમય બાદ જ ડુંડવાળાની સીમમાં એક મહુડાના ઝાડની ડાળી સાથે તેની લાશ લટકતી હાલતમાં રાહદારીઓને જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠેલા લોકોએ તાત્કાલિક તેના પરિવાર અને મેઘરજ પોલીસને જાણ કરી હતી.

આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની શંકા

ઘટના સ્થળે પહોંચેલી મેઘરજ પોલીસે જ્યારે મૃતદેહને નીચે ઉતારવાની તજવીજ હાથ ધરી, ત્યારે પરિવારજનોએ મડાગાંઠ સર્જી હતી. સગીરની ટ્યુશન બેગ ઘટના સ્થળથી દૂર ખેતરમાંથી મળી આવતા પરિવારે આ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. પરિવારે સ્પષ્ટ જણાવ્યું હતું કે, "જ્યાં સુધી એફએસએલ (FSL) અને ડોગ સ્કવોડની ટીમ તપાસ ન કરે, ત્યાં સુધી લાશને અડવા દેવામાં આવશે નહીં."

પોલીસની સમજાવટ અને તપાસ

સ્થિતિની ગંભીરતા જોતા ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કલાકો સુધી ચાલેલી સમજાવટ અને ડોગ સ્કવોડ દ્વારા ઘટના સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ, અંતે પરિવારે લાશ ઉતારવા સંમતિ આપી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મેઘરજની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ