ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરદેશી નાગરિકો અને ઘૂસણખોરોને શોધી કાઢવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાંથી એક ખૂબ જ મોટું અપડેટ સામે આવ્યું છે. જિલ્લામાં પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત મોટી સફળતા મળી છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરીને કુલ 13 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે.

LCB અને SOGનું સંયુક્ત મેગા ઓપરેશન

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર તત્વો પર નજર રાખવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ મેગા સર્ચ ઓપરેશનને અંજામ આપવા માટે પોલીસે અલગ-અલગ 6 ખાસ ટીમો બનાવી હતી. આ ટીમોએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એકસાથે રેડ કરી હતી.

મોડાસા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ

પોલીસની આ 6 ટીમો દ્વારા જિલ્લાના મુખ્ય મથક મોડાસા ટાઉન વિસ્તાર સહિત આસપાસના અલગ-અલગ તાલુકા મથકો અને શંકાસ્પદ રહેણાંક વિસ્તારોમાં વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સઘન ચેકિંગ દરમિયાન યોગ્ય ઓળખ વગર રહેતા અને શંકાસ્પદ હિલચાલ ધરાવતા 13 લોકોને પોલીસે રાઉન્ડ-અપ કરીને તેમની અટકાયત કરી લીધી છે.

ઓળખના જરૂરી પુરાવાઓની ચકાસણી તેજ

પકડાયેલા તમામ 13 શંકાસ્પદ શખ્સોને પોલીસ મથકે લાવીને તેમની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ તેઓ ભારતમાં અને ખાસ કરીને અરવલ્લીમાં ક્યારથી અને કયા આધારે રહેતા હતા, તેની તપાસ કરવા માટે તેમના તમામ જરૂરી સરકારી ઓળખપત્રો અને રહેઠાણના દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. જો આ તપાસમાં તેમના પુરાવા નકલી અથવા ગેરકાયદેસર હોવાનું સાબિત થશે, તો પોલીસ તેમની સામે કાયદાના કડક પ્રાવધાનો હેઠળ ગુનો નોંધી આગળની દેશનિકાલ સહિતની કાર્યવાહી હાથ ધરશે.


આ પણ વાંચો - Aravalli News: મોડાસામાં પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી