ગુજરાત અને રાજસ્થાનને જોડતા મુખ્ય હાઈવે પર વહેલી પરોઢે એક ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રાજસ્થાનના બીછીવાડા નજીક એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં તેમાંથી સફેદ ગેસ જેવા કેમિકલના ફુવારા ઉડવા લાગ્યા હતા, જેના કારણે વાહનચાલકોમાં ભારે ભય ફેલાયો હતો.


કેમિકલના ફુવારાથી ભયનો માહોલ

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજસ્થાન સરહદમાં બીછીવાડા પાસે ટેન્કરના ચાલકે કાબૂ ગુમાવતા ટેન્કર રસ્તા પર જ પલટી ગયું હતું. અકસ્માત થતાં જ ટેન્કરમાંથી સફેદ રંગના ગેસ અથવા લિક્વિડ કેમિકલના ઊંચા ફુવારા હવામાં ઉડવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈને હાઈવે પરથી પસાર થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઝેરી ગેસ હોવાની આશંકાએ તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે બંને તરફનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો.

કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ

અકસ્માતના પગલે રાજસ્થાનના બીછીવાડાથી લઈને છેક ગુજરાતના શામળાજી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. હાઈવે પર વાહનોના પૈડાં થંભી જતાં મુસાફરો અને ટ્રક ચાલકો કલાકો સુધી અટવાયા હતા. ખાસ કરીને વહેલી સવારનો સમય હોવાથી નોકરીયાત વર્ગ અને માલવાહક વાહનોની ભારે ભીડ જોવા મળી હતી.




વહેલી પરોઢે સ્થિતિ થાળે પડી

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર કામે લાગ્યું હતું. કેમિકલના લીકેજને કાબૂમાં લીધા બાદ, ક્રેન દ્વારા ટેન્કરને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી પરોઢે ટેન્કર હટાવી લેવામાં આવતા અને રસ્તો સાફ કરાતા ટ્રાફિક હળવો થયો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ હાઈવે પરના ભયના દ્રશ્યોએ લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા.


આ પણ વાંચો - Aravalli: અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવ રંગેચંગે ઊજવાયો


  • Follow us on: