બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત રાહ તાલુકા મથકે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો સામે તંત્રએ આકરા તેવર અપનાવ્યા છે. તાલુકા વિકાસ અધિકારી (TDO), સરપંચ અને તલાટીની સીધી દેખરેખ હેઠળ ગૌચર અને ગામતળની જમીન પરથી દબાણો હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ
રાહ તાલુકામાં લાંબા સમયથી પશુચરાણ માટેની ગૌચર જમીન અને ગામતળની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણોને કારણે પશુઓને ચરવા માટે અને સામાન્ય જનતાને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી હતી. તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં દબાણદારોએ સ્વેચ્છાએ દબાણો હટાવ્યા ન હતા, જેને પગલે વહીવટી તંત્રએ બુલડોઝર સાથે ઓપરેશન હાથ ધર્યું છે.
પોલીસ બંદોબસ્ત
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે PSI અને ૧૬ જેટલા પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી ફેરવીને કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Junagadh: સાસણ ગીરમાં 'ઇન્ટરનેશનલ બિગ કેટ સમીટ'નો પ્રારંભ, એશિયાટિક સિંહ સહિત 5 પ્રજાતિઓના સંરક્ષણ માટે વૈશ્વિક મંથન