એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીર ખાતે આજથી 'ઇન્ટરનેશનલ બિગ કેટ સમીટ'નો ગરિમાપૂર્ણ પ્રારંભ થયો છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સમીટને ખુલ્લી મૂકી હતી. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વન્યજીવ નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓ બિગ કેટ્સના ભવિષ્ય અંગે ચર્ચા કરશે.
5 મુખ્ય પ્રજાતિઓ પર વિશેષ ભાર
આ સમીટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં જોવા મળતી પાંચ મુખ્ય બિગ કેટ પ્રજાતિઓ—એશિયાટિક સિંહ, વાઘ, દીપડો, સ્નો લેપર્ડ અને ચિત્તા—ના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA) ને મજબૂત કરવાનો છે. ખાસ કરીને ગીરમાં 'પ્રોજેક્ટ લાયન' હેઠળ સિંહોના વિસ્તારનું વિસ્તરણ, આધુનિક ટેકનોલોજીથી દેખરેખ અને આરોગ્ય સુરક્ષા પર ખાસ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
