ગાંધીનગરમાં આવેલા જાણીતા સરિતા ઉદ્યાન પાસે મોડી સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્રિકેટ રમીને રિક્ષામાં પરત ફરી રહેલા મિત્રોને પુરપાટ ઝડપે આવતી એક કારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

સરિતા ઉદ્યાન પાસે ગમખ્વાર અકસ્માત

મળતી માહિતી મુજબ, કેટલાક યુવકો ક્રિકેટ રમીને રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સરિતા ઉદ્યાન નજીક એક કાર ચાલકે પોતાની કાર રિક્ષા સાથે ધડાકાભેર અથડાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર ચારેય યુવકોને નાની-મોટી ગંભીર ઇજાઓ થઈ હતી.

ઇજાગ્રસ્તોની સ્થિતિ

અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર યુવકો પૈકી એક યુવાનની હાલત અત્યંત ગંભીર છે, જેને પગલે પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: સ્માર્ટ સિટીના રોડ પર 'દેશી દારૂ'ની નદી વહી, અકસ્માત કે ગફલતમાં બુટલેગરની ટ્રકમાંથી પોટલીઓ ફાટતા પોલ ખુલી