અમીરગઢ વિસ્તારમાં આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જતી એક ખાનગી લક્ઝરી બસે આગળ જઈ રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રેક્ટરને ભારે નુકસાન પહોંચ્યું હતું.

અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત

મળતી માહિતી મુજબ, અમીરગઢ હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ખાનગી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ ચાલતા ટ્રેક્ટરને અડફેટે લીધું હતું. બસની ટક્કર વાગતા જ ટ્રેક્ટર ચાલક રોડ પર પટકાયો હતો અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. સદનસીબે, અકસ્માત સમયે ખાનગી બસમાં સવાર 40 કરતા વધુ મુસાફરો સુરક્ષિત રહ્યા છે, જેમને સામાન્ય આંચકા સિવાય કોઈ મોટી ઈજા થઈ નથી.

હાઇવે પર ટ્રાફિકના દ્રશ્યો

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે હાઇવે પર વાહનોની અવરજવર થંભી ગઈ હતી. જોતજોતામાં હાઇવે પર અંદાજે 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો લાગતા અન્ય વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.

આ પણ વાંચો: Surat: ઉમરાના બંગલામાં ચોરી કરનાર કુખ્યાત 'રોહિત મોડેલ' ગેંગ ઝડપાઈ, 25થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા