તાજેતરમાં જ લોકગાયક કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે ભાગીને લગ્ન કર્યા હતાં અને સામાજિક વિવાદ વકર્યો હતો. રબારી સમાજ દ્વારા કોઈપણ સંજોગોમાં દીકરીને પરત લાવવા માટે ગાંઠ વાળી દીધી હતી. ત્યાર બાદ કિંજલ રબારીને સમાજને સોંપવામાં આવી હતી. હવે ચૌધરી સમાજે એકત્રિત થઈને રબારી સમાજના યુવક દ્વારા ભગાડીને લઈ જવામાં આવેલી ચૌધરી સમાજની દીકરીને પરત આપવા માગ કરી છે. આ બાબતે 18મી માર્ચે ચૌધરી સમાજ એકત્ર થશે અને નિર્ણય લેશે.
ચૌધરી સમાજ દ્વારા રબારી સમાજને વિનંતી
કિંજલ રબારીને ચૌધરી સમાજ દ્વારા રબારી સમાજને પરત સોંપી દેવાઈ છે. હવે ચૌધરી સમાજ દ્વારા રબારી સમાજને વિનંતી કરવામાં આવી છે કે, રબારી સમાજના યુવક દ્વારા ભગાડી જવામાં આવેલી ચૌધરી સમાજની દીકરીને પરત આપવામાં આવે. રૂની ગામેથી વર્ષ 2024મા રબારી સમાજનો ઉણ ગામનો યુવાન રબારી મહાદેવભાઈ દેવાભાઈએ રૂની ગામની ચૌધરી મહાદેવ ભાઈની દીકરી કંકુ ચૌધરીને ભગાડી ગયો હતો. જેને પરત આપવા ચૌધરી સમાજે માંગ કરી છે.
સમગ્ર ચૌધરી સમાજ એકત્રિત થઈને નિર્ણય લેશે
આજે રૂની ગામે ચૌધરી સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. આગામી 18 માર્ચે સગત માતાજીના મંદિરે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ચૌધરી સમાજ એકત્રિત થઈને નિર્ણય લેશે. ચૌધરી સમાજ જો રબારી સમાજની સાથે રહી દીકરી પરત અપાવી છે તો રબારી સમાજે પણ સાથ આપી ચૌધરી સમાજની દિકરી પરત આપવી જોઈએ એવી માગ કરવામાં આવી છે. રૂની ગામના જગમાલ ભાઈ ચૌધરી તેમજ તેમના પત્ની જુમા બેન ચૌધરી ની સમાજના આગેવાનોને પોતાની દીકરી પરત લાવી આપવા વિનંતી કરવામાં આવી હતી.
પાટીદારો પણ એક્ટિવ થયા
બીજી તરફ ખેડામાં પણ પાટીદાર સમાજની દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી ગયો હોવાનો યુવતીની માતાએ આક્ષેપ કર્યા બાદ પાટીદાર સમાજ પણ એક્ટિવ થઈ ગયો છે. આ મામલે પાસ અને એસપીજીના આગેવાનો ખેડાનાગામની મુલાકાત લેશે.
આ પણ વાંચોઃ Surat News: ગેસની અછતથી કંટાળી શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ