મા અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં અનેક સંઘો પહોંચી રહ્યા છે, પરંતુ આ તમામ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો લાલ દંડા સંઘ બુધવારે અંબાજી પહોંચી ગયો છે. અમદાવાદથી રવાના થયેલો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા પૂર્ણ કરીને મા અંબાના સાનિધ્યમાં પહોંચ્યો છે, જ્યાં યાત્રિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સંઘની વિશેષતા એ છે કે, છેલ્લા 192 વર્ષથી આ પદયાત્રાની પરંપરા અવિરત ચાલી રહી છે.
અંબાજી ચાચર ચોકમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સ્વાગત
અંબાજી પહોંચેલા લાલ દંડા સંઘનું અંબાજીના ચાચર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા સંઘના આગેવાનો અને યાત્રિકોનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળેલા આ સંઘમાં 50 થી 85 વર્ષની વયના ભક્તો પણ ભારે ઉત્સાહ સાથે જોડાયા છે. સંઘની સાથે મા અંબાનું સ્વરૂપ, ભૈરવ સ્વરૂપનું ધૂપિયું, જળપાત્ર અને પવિત્ર ધજાઓ પણ ઉપસ્થિત રહી છે.

192 વર્ષ પહેલાં પ્લેગના રોગમાંથી મુક્તિ મેળવવા શરૂ થઈ હતી પરંપરા
સંઘના આગેવાન કૌશિકભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આ સંઘ તેની 192મી પદયાત્રા પૂર્ણ કરવાના આરે છે. આશરે 192 વર્ષ પૂર્વે અમદાવાદ શહેરમાં પ્લેગ નામનો ભયાનક રોગ ફાટી નીકળ્યો હતો. તે સમયે અમદાવાદના નગરશેઠ અને નગરપતિ હઠીસિંહ શેઠ હતા. અમદાવાદ શહેરમાં ફેલાયેલા રોગથી મુક્તિ મેળવવા માટે તેઓ ગોરબા પાસે ગયા હતા, જેમણે અંબાજી સુધી પગપાળા જવાનો સંકલ્પ કરવાનું જણાવ્યું હતું. માતાજીમાં શ્રદ્ધા રાખીને આ સંકલ્પ કરવામાં આવ્યો અને ત્યારબાદ ધીમે ધીમે પ્લેગનો રોગ શાંત થતો ગયો, ત્યારથી આ પદયાત્રાની પરંપરા અવિરત ચાલી રહી છે.

દાંતા રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે વિશેષ સ્વાગત
લાલ દંડા સંઘ જ્યારે દાંતા પહોંચે છે, ત્યારે ત્યાંના રાજવી પરિવાર દ્વારા સંઘનું હંમેશા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં આવેલા માં અંબાના મંદિરે પૂજા-અર્ચના કર્યા બાદ આ સંઘ અંબાજી તરફ પ્રસ્થાન કરે છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થયેલો આ સંઘ 10 દિવસની યાત્રા બાદ બારસના દિવસે અંબાજી પહોંચે છે. ઠેર ઠેર લોકો દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવે છે, અને અંબાજી પહોંચીને યાત્રિકો ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો: Banaskantha News: ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે માતાજીના દર્શન માટે લાંબી કતારો લાગી