બનાસકાંઠાના અમીરગઢ નેશનલ હાઇવે પર આજે કાળમુખો અકસ્માત સર્જાતા હડકંપ મચી ગયો છે. અમીરગઢ પાસે આવેલા બાલારામ બ્રિજ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક ભારે વાહને કાબૂ ગુમાવતા તેની પાછળ અને આગળ આવી રહેલા 8 થી 9 નાના-મોટા વાહનો, જેમાં લક્ઝરી કાર અને ટ્રકો સામેલ છે, તે એકબીજા સાથે અત્યંત વેગથી અથડાયા હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે હાઇવે પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોનો કુરચો બોલી ગયો હતો.
ઘટનાસ્થળે જ મોત અને બચાવ કામગીરી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર મુસાફરો લોખંડના પતરાની વચમાં ફસાઈ ગયા હતા. આ હોનારતમાં એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે તરફડિયા મારીને મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 થી 5 લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો અને અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારના દરવાજા તોડી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.










