સુરતને સામાન્ય રીતે ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે સુરતે કૃષિ વ્યવસાય ક્ષેત્રે પણ સમગ્ર દેશમાં પોતાની અનોખી ઓળખ ઊભી કરી છે. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના લેટેસ્ટ ઓડિટ રિપોર્ટ અનુસાર, સુરત એપીએમસી (APMC) એ રાજ્યની અન્ય તમામ ૨૨૪ બજાર સમિતિઓને પછાડીને સતત ત્રીજા વર્ષે નંબર-1 નું સ્થાન હાંસલ કર્યું છે. સહારા દરવાજા અને ત્યારબાદ કટોદરા ખાતે વિસ્તરેલું સુરતનું આ માર્કેટ યાર્ડ હવે આધુનિક ગ્લોબલ ટ્રેડિંગ સેન્ટર બની ગયું છે.


4000 કરોડનું ટર્નઓવર અને ટેક્સ મેનેજમેન્ટ

નાણાકીય વર્ષ 2025-26દરમિયાન વહીવટી પારદર્શિતા અને માર્કેટ ફી ના સચોટ કલેક્શનના કારણે સુરત APMC ની સત્તાવાર આવક 51.09કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ છે. આ યાર્ડમાં રોજિંદા હજારો ટન શાકભાજી, ફળો અને અનાજની આવક થાય છે, જેના કારણે તેનું વાર્ષિક ટર્નઓવર 4000 કરોડ રૂપિયાની સપાટીને વટાવી ગયું છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો પણ પોતાના માલના સાચા દામ મેળવવા માટે સુરત એપીએમસી પર સૌથી વધુ ભરોસો મૂકે છે.

ટ્રાફિક મુક્ત વ્યવસ્થા: 200 ટ્રકોનું રોલ મોડેલ પાર્કિંગ

દેશની મોટાભાગની એપીએમસી માર્કેટોમાં ટ્રાફિક જામ અને માલના લોડિંગ-અનલોડિંગની મોટી સમસ્યા હોય છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે સુરત APMC એ એન્જિનિયરિંગ કમાલ કરીને એકસાથે 200 થી વધુ લોજિસ્ટિક્સ ટ્રકો પાર્ક થઈ શકે તેવું અદ્યતન પાર્કિંગ ટર્મિનલ ઊભું કર્યું છે. આ પ્રકારની વૈજ્ઞાનિક વ્યવસ્થા ધરાવતું સુરત દેશનું પ્રથમ રોલ મોડેલ માર્કેટ યાર્ડ બન્યું છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, વેપારીઓ માટે ઓનલાઈન લાયસન્સિંગ અને ખેડૂતો માટે સસ્તી કેન્ટીન જેવી સુવિધાઓને કારણે કેન્દ્ર સરકાર પણ સુરત APMC ની મોડેલ પેટર્નને અન્ય રાજ્યોમાં લાગુ કરવા માટે વિચારણા કરી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: આજે રાજ્યભરમાં LRD ભરતીની લેખિત પરીક્ષા, 12,933 જગ્યાઓ માટે ઉમેદવારો આપશે કસોટી

  • Follow us on: