ગુજરાતમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજની ગુણવત્તાને લઈને વારંવાર સવાલો ઉઠતા રહે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી રેલવે વિભાગની એક એવી આઘાતજનક બેદરકારી સામે આવી છે જે નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અમીરગઢના સરોત્રા ગામ પાસે રેલવે લાઇન નીચેથી પસાર થતા વ્યસ્ત અંડરબ્રિજની એન્ટ્રી પર ભારે વાહનોને રોકવા માટે લોખંડના જાડા પતરા અને ગર્ડરથી 'હાઇટ ગેજ' (ઊંચાઈ માપક કમાન) બનાવવામાં આવ્યો હતો. આ હાઇટ ગેજ હાલમાં કટોકટીની સ્થિતિમાં આવી ગયો છે.
માળખાના નબળા જોઈન્ટ્સ અને બોલ્ટ ખૂલી ગયા
સ્થાનિકો દ્વારા લેવામાં આવેલી તસવીરો અને ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, આ હાઇટ ગેજનો જે મધ્ય ભાગ (સેન્ટર જોઈન્ટ) હોય છે, તેનું વેલ્ડિંગ દબાણ અથવા નબળી ગુણવત્તાના કારણે તૂટી ગયું છે અને તે વચ્ચેથી આખો ખુલ્લો પડી ગયો છે. એટલું જ નહીં, આ કમાનને જે બે મુખ્ય સાઇડ પિલ્લર સપોર્ટ આપી રહ્યા છે, તે પિલ્લરના ફાઉન્ડેશન બોલ્ટ અને નટ પણ વર્ષોથી મેઇન્ટેનન્સ ન થવાને કારણે ઢીલા પડીને ખૂલી ગયા છે. આના કારણે આખું લોખંડનું માળખું હવામાં એક તરફ નમી ગયું છે અને પવન અથવા સામાન્ય ધ્રુજારીના કારણે પણ તે હલી રહ્યું છે.










