રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ખીલવાડ કરનારા બિનનૈતિક વેપારીઓ અને નકલી ખાદ્ય સામગ્રીના ઉત્પાદકો સામે રાજકોટ મહાનગરપાલિકાએ યુદ્ધનું એલાન કર્યું છે. રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ દ્વારા બોલાવવામાં આવેલી લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં એક એવો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેની અસર સમગ્ર ગુજરાતના સત્તાતંત્ર પર પડશે. મેયરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે ભેળસેળના મામલામાં કોઈ પણ રાજકીય ભલામણ કે ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં.
3 કેટેગરીમાં વિભાજીત 8 ટીમો કરશે સર્જિકલ સ્ટ્રાઈક
મેયર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનરના સંયુક્ત આયોજન હેઠળ આ આખી ડ્રાઇવને વધુ અસરકારક બનાવવા માટે ૩ અલગ-અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. આ કેટેગરીમાં નાના લારી-ગલ્લાથી લઈને મોટા હોલસેલ વેપારીઓ, ડેરી ફાર્મ્સ, રેસ્ટોરન્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને આવરી લેવાશે. આ કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓની 8 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો કોઈપણ પૂર્વ માહિતી આપ્યા વિના ગમે ત્યારે ગમે તે લોકેશન પર દરોડા પાડશે.
રિપોર્ટની રાહ નહીં જોવાય, સ્થળ પર જ એકમ સીલ થશે
અત્યાર સુધીની સિસ્ટમમાં સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવતા હતા અને તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી મહિનાઓ સુધી વેપારીઓ ખરાબ ખોરાક વેચવાનું ચાલુ રાખતા હતા. પરંતુ હવે નવો નિયમ લાગુ કરાયો છે કે જો સ્થળ પર જ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ કે અખાદ્ય સામગ્રી, પ્રતિબંધિત કલર અથવા વાસી માવો-તેલ મળી આવશે, તો તુરંત જ સ્થળ પર જ સીલિંગની પ્રક્રિયા કરવામાં આવશે અને મોટો આર્થિક દંડ ફટકારાશે.
ઝડપી ટેસ્ટિંગ માટે રાજકોટની પોતાની 'ફૂડ ટેસ્ટ લેબ'
મ્યુનિસિપલ કમિશનરે આ ડ્રાઇવને વધુ આધુનિક બનાવવાની જાહેરાત કરતા જણાવ્યું છે કે, સેમ્પલના રિપોર્ટ વહેલા મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા ટૂંક સમયમાં પોતાની અદ્યતન 'ફૂડ ટેસ્ટ લેબ' કાર્યરત કરશે. આ લેબ બનવાથી અન્ય સરકારી લેબોરેટરીઓ પરનું ભારણ ઘટશે અને માત્ર 24 થી 48 કલાકમાં જ ભેળસેળનું દૂધ, ઘી કે તેલ પકડાઈ જશે. આ ડ્રાઇવ આગામી 1 વર્ષ એટલે કે 365 દિવસ સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે, જેથી રાજકોટને સંપૂર્ણપણે 'ભેળસેળ મુક્ત' બનાવી શકાય.
આ પણ વાંચો: Ahmedabad: શાસ્ત્રીનગરમાં કાળા કાચવાળી કારે પાર્ક કરેલી 4 ગાડીઓનો કચ્ચરઘાણ વાળ્યો