બનાસકાંઠા જિલ્લાના જંગલોમાં વન્યજીવોની સંખ્યા સારી એવી છે, પરંતુ ઉનાળાની સિઝનમાં ખોરાક અને પાણીની તંગીના કારણે આ વન્યજીવો હવે જંગલ છોડીને ગામડાંઓ તરફ વળી રહ્યા છે. આવી જ એક ઘટના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં સામે આવી છે. અહી ખોરાકની શોધમાં એક રીંછ સીધું રહેણાંક વિસ્તારની નજીક સુધી આવી પહોંચ્યું હતું. વહેલી સવારે જ્યારે ગામના પશુપાલકો પોતાના પશુઓનું દૂધ દોહવા માટે ઘરની બહાર કે કોઢમાં ગયા, ત્યારે અચાનક જ સામે રીંછ દેખાતા લોકોના હોશ ઉડી ગયા હતા અને લોકો ભયના માર્યા ત્યાંથી ભાગ્યા હતા.
વોટ્સએપ ગ્રૂપ દ્વારા આખું ગામ એલર્ટ કરાયું
આવલ ગામમાં રીંછ ઘૂસી જવાની ખબર વાયુવેગે ફેલાઈ ગઈ હતી. કેટલાક હિંમતવાન યુવકોએ સુરક્ષિત અંતર જાળવીને આ રીંછનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયોને તાત્કાલિક ગામના સત્તાવાર અને સ્થાનિક વોટ્સએપ ગ્રૂપોમાં શેર કરવામાં આવ્યો હતો. વીડિયોની સાથે જ એક અપીલ પણ વહેતી કરવામાં આવી હતી કે, કોઈએ પણ વહેલી સવારે કે રાત્રે એકલા બહાર નીકળવું નહીં અને પોતાના પશુઓનું ખાસ ધ્યાન રાખવું.
