બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના અંદાજમાં સત્ય વાત કહેવા માટે મશહૂર છે. લાખણીના સેદલા ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે તેમણે ભક્તિના મંચ પરથી જોરદાર નિવેદન આપ્યું હતું. તેમણે મહાભારતના યુદ્ધનું દ્રષ્ટાંત ટાંકીને વર્તમાન રાજકારણ અને સંગઠન શક્તિ પર જોરદાર પ્રહાર કર્યા હતા.

મહાભારત અને જીતની રણનીતિ

ગેનીબેને જણાવ્યું હતું કે, મહાભારતનું યુદ્ધ એ માત્ર કૌરવો અને પાંડવો વચ્ચેની લડાઈ નહોતી, પરંતુ તે યોગ્ય ટેકેદાર પસંદ કરવાની સમજ હતી. તેમણે કહ્યું કે, મહાભારત આપણને શીખવે છે કે જો તમારો ટેકેદાર મજબૂત હોય, તો વિજય નિશ્ચિત છે. અહીં તેમનો ઈશારો સ્પષ્ટ હતો કે ભલે તમારી પાસે મોટી ફોજ ન હોય, પણ જો તમારી સાથે ભગવાન કૃષ્ણ જેવા મક્કમ અને બુદ્ધિશાળી સમર્થકો હોય, તો ગમે તેવું મોટું યુદ્ધ જીતી શકાય છે.

સંખ્યાબળ કરતાં ગુણવત્તા પર ભાર

તેમણે વધુમાં ઉમેર્યું કે, ટેકેદારોની સંખ્યા ઓછી હોય તો ચાલે, પણ તે મજબૂત હોવા જોઈએ. જો લડનારા સાથીદારો મક્કમ હોય, તો અડધું યુદ્ધ તો ત્યાં જ જીતી જવાય છે." આ વિધાન દ્વારા તેમણે પોતાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો અને વિરોધીઓને આડકતરો સંદેશ આપ્યો હતો કે રાજકારણમાં માત્ર ભીડ એકઠી કરવાથી જીત મળતી નથી, પરંતુ વફાદાર અને નીડર સાથીઓની જરૂર હોય છે.

ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યા

ગેનીબેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવીને દિલ્હી સુધી પહોંચનાર ગેનીબેને આડકતરી રીતે એ સ્વીકાર્યું છે કે તેમની જીત પાછળ અડીખમ ઊભા રહેનારા મજબૂત ટેકેદારોનો મોટો હાથ છે. ભાગવત કથા જેવા પવિત્ર મંચ પરથી અપાયેલું આ રાજકીય જ્ઞાન સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું છે.