પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા (મનપા) નો દરજ્જો મળ્યાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. જોકે, શહેરીજનોમાં એવી ચર્ચા છે કે આ પરિવર્તનથી માત્ર વેરાના બોજમાં વધારો થયો છે, સુવિધાઓમાં નહીં. મનપા બનતા જ કાર્યક્ષેત્રમાં ૪ ગામોનો ઉમેરો થયો છે, જેને પહોંચી વળવા માટે 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે સેનિટેશનના સાધનો ખરીદવામાં આવ્યા છે. પરંતુ, આ ખરીદી હવે વિવાદનું કેન્દ્ર બની છે.
ખરીદીની વિગત અને ભ્રષ્ટાચારના આક્ષેપ
મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹5.27 કરોડ ના ખર્ચે વિવિધ વાહનો વસાવવામાં આવ્યા છે. જેમાં ₹1.4 કરોડના 14 ટ્રેક્ટર, ₹47 લાખની ટ્રોલીઓ, ₹65 લાખના 2 ડમ્પર, ₹2 કરોડની 18 ટીપરવાન અને ₹75 લાખના 2 લોડરનો સમાવેશ થાય છે. પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આ તમામ વાહનોની ખરીદી બજાર ભાવ કરતા ઘણી ઊંચી કિંમતે કરવામાં આવી છે. કોંગ્રેસના મતે, અમુક એજન્સીઓને ફાયદો કરાવવા માટે આ વ્યવહારમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
તંત્રનો લૂલો બચાવ
સામા પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આ આક્ષેપોને પોરબંદર મનપા કમિશનરે નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તમામ ખરીદી પારદર્શક રીતે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. નિયમ મુજબ, સૌથી ઓછા ભાવ (L1) ભરનાર ઈજારાદારને જ વર્ક ઓર્ડર આપવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, જ્યારે પણ ભાવ ઊંચા જણાય ત્યારે અન્ય મહાનગરપાલિકાઓના ખરીદ ભાવ સાથે તેની સરખામણી કરવામાં આવે છે અને ત્યારબાદ જ આખરી નિર્ણય લેવાય છે.
નિયમોનું પાલન થયાનો દાવો
એક તરફ તંત્ર નિયમોનું પાલન થયાનો દાવો કરે છે, તો બીજી તરફ વિપક્ષ જનતાના પૈસાના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ વચ્ચે પોરબંદરના નાગરિકોને ખરેખર પાયાની સુવિધાઓમાં સુધારો જોવા મળે છે કે કેમ.










