બનાસકાંઠાના દિયોદર મુકામે વાવ-થરાદ અને ઉત્તર ગુજરાતના 27 તાલુકાના ઠાકોર સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને આર્થિક બોજ વધારતી પ્રથાઓને તિલાંજલિ આપીને એક નવા સામાજિક બંધારણની રચના કરવામાં આવી છે.

આ પ્રસંગે સંમેલનમાં બનાસકાંઠા સાસંદ ગેની બેન ઠાકોરે લોકો સમક્ષ નવા બંધારણની અનેક વાતો સામે મૂકી હતી. તેમણે જણાવ્યુ કે, આશરે 2 લાખ લોકોની લેખિત સહમતી સાથે જાહેર કરાયેલા આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ અને ગરીબ પરિવારોને દેવાના બોજમાંથી મુક્ત કરવાનો છે.

મુખ્ય સામાજિક સુધારાઓ કરવામાં આવ્યા

સગાઈ, સાડી કે નાળિયેરની વિધિમાં માત્ર 1 રૂપિયો જ લેવાનો રહેશે. સગાઈમાં 21થી વધુ મહેમાનો લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ લગ્નની તારીખો માત્ર વૈશાખ કે મહા મહિનામાં જ રાખવાનું નક્કી થયું છે. લગ્નમાં જાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવેથી જાનમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓ અને 11 ગાડીઓ જ જઈ શકશે. મનોરંજન માટે 2થી વધુ ઢોલ રાખવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

મામેરાની પ્રથામાં બદલાવ કરવામાં આવ્યો

દીકરીના મામેરામાં દાગીના આપવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. મામેરામાં કપડાંની ઓઢામણી બંધ કરી માત્ર રોકડ રકમ આપવી, જેની મહત્તમ મર્યાદા રૂ. 1.51 લાખ રાખવામાં આવી છે. મામેરામાં પણ 100 થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે.

ભેટ તરીકે માત્ર 'રસોડા સેટ' આપવાની ભલામણ કરાઈ

અન્ય મહત્વના નિર્ણયોની જો વાત કરવામાં આવે તો દીકરીને કરિયાવરમાં ભેટ તરીકે માત્ર 'રસોડા સેટ' આપવાની ભલામણ કરાઈ છે. આ ઉપરાંત, બીમારીના સમયે કરવામાં આવતી બોલામણા પ્રથા પણ નાબૂદ કરવામાં આવી છે. સાંસદ ગેનીબેન ઠાકોરના જણાવ્યા મુજબ, આ બંધારણ અમલમાં લાવતા પહેલા દરેક તાલુકા અને ગામ સ્તરે બેઠકો યોજી લોકમત લેવામાં આવ્યો હતો. ઠાકોર સમાજની આ પહેલ અન્ય સમાજો માટે પણ કરકસર અને સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

ઠાકોર સમાજના નવા બંધારણને લઇને અલ્પેશ ઠાકોરે પણ નિવેદન આપ્યુ હતુ. જેમાં બંધારણને લઇને કહ્યુ કે બંધારણની અમલવારી આપણે કરવી જોઇએ. સમાજે ખોટા ખર્ચમાંથી બહાર નીકળવું પડશે. 
 

  • Follow us on: