રાજસ્થાન સરકાર દ્વારા વિશ્વપ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નવું નામ "આબુ રાજ" જાહેર કરવામાં આવતા શ્રદ્ધાળુઓ અને પર્યટકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ નિર્ણયના સમાચાર મળતા જ બનાસકાંઠાના ધાનેરા શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. વર્ષોથી આબુ પર્વત સાથે જોડાયેલી લોકોની આસ્થા અને લાગણીઓને માન આપીને લેવાયેલા આ નિર્ણયને સ્થાનિકોએ આવકાર્યો છે.
"આબુ રાજ "જાહેર કરતા લોકોમાં ખુશી
ધાનેરાના પ્રસિદ્ધ શ્રી ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે આ પ્રસંગે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરે શ્રદ્ધાળુઓ દ્વારા 108 દીવડાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ સાથે જ આતસબાજી કરીને આકાશને રોશનીથી ભરી દેવામાં આવ્યું હતું. લોકોનું માનવું છે કે આબુરાજ પર્વત પર 33 કરોડ દેવી-દેવતાઓ બિરાજમાન છે અને આ પવિત્ર ભૂમિનું નામ હવે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ "આબુ રાજ" થતા તેની ભવ્યતામાં વધારો થયો છે.













