બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકની એક પ્રાથમિક શાળાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શાળામાં પ્રાર્થનાના સમયે મોટા અવાજે ડીજે વગાડવામાં આવી રહ્યું છે અને તેના તાલે નાના બાળકો ભાન ભૂલીને ધૂણી રહ્યા છે. સામાન્ય રીતે જ્યાં જ્ઞાન અને વિજ્ઞાનની વાતો થવી જોઈએ, તેવા સરસ્વતીના મંદિરમાં આ પ્રકારે અંધશ્રદ્ધાને પોષતા હોય તેવા દ્રશ્યો સર્જાતા અનેક સવાલો ઉભા થયા છે. આ વીડિયો દિયોદર તાલુકાની કોઈ પ્રાથમિક શાળાનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
'ધૂણવાની' રમઝટ
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે માસૂમ બાળકો ધૂણી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર શિક્ષકો તેમને રોકવાને બદલે પ્રોત્સાહન આપતા નજરે પડ્યા હતા. વીડિયોમાં શિક્ષકો પણ બાળકોની આ હરકતોમાં સહભાગી થતા હોય તેવું જણાઈ રહ્યું છે, જેને પગલે વાલીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે અને શાળામાં આવા કૃત્યોને મંજૂરી આપનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ વીડિયોએ ડિજિટલ યુગમાં પણ શિક્ષણ સંસ્થાઓમાં વ્યાપેલી આવી માનસિકતા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે.
આ પણ વાંચો : Gir Somnath News : કોડીનારનું મઠ ગામ બન્યું સિંહોનું સરનામું, રહેણાંક વિસ્તારમાં વનરાજોના આંટાફેરાથી ફફડાટ