બનાસકાંઠા જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી અને ધાર્મિક લાગણી દુભાવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. પાલનપુરમાં રહેતી એક હિન્દુ મહિલાને પાંચ વિધર્મી શખ્સોએ બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાઈ છે. આટલું જ નહીં, પીડિતાને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી તેનું નામ બદલી નાખવામાં આવ્યું હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે.
અખ્તરશા ફકીરે મહિલાને સાજી કરી દેવાના બહાને સંપર્ક કેળવ્યો
મળતી માહિતી મુજબ, પીડિત મહિલા અગાઉ બીમાર રહેતી હતી. આ સમયે તેના પતિનો મિત્ર અને મુખ્ય આરોપી અખ્તરશા ફકીરે મહિલાને સાજી કરી દેવાના બહાને સંપર્ક કેળવ્યો હતો. ધીમે ધીમે તેણે મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ અનૈતિક સંબંધોની જાણ થતા મહિલાના પતિએ કંટાળીને તેને છોડી દીધી હતી, જેનો લાભ ઉઠાવી આરોપીઓએ મહિલાનું શોષણ કરવાનું શરૂ કર્યું હતું.
અશ્લીલ વીડિયો અને બ્લેકમેલિંગ
મુખ્ય આરોપી અખ્તરશાએ મહિલાના અશ્લીલ વીડિયો ઉતારી લીધા હતા અને તેના આધારે તેને બ્લેકમેલ કરી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અખ્તરશા ઉપરાંત આરીફ ફકીર, ઇલિયાસ ફકીર, દિલાવરસા જુનેજા અને સાહિલ ફકીરે પણ મહિલાને પજવણી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું.
બળજબરીથી ધર્માંતરણ અને નવું નામ
પીડિતાએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓ તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતા હતા. બે વર્ષ પહેલા તેને ઉનાવા ખાતેની દરગાહ પર લઈ જઈ બળજબરીથી નમાજ પઢાવવામાં આવી હતી અને કલમા પઢાવી બુરખો પહેરાવી રાખવામાં આવતો હતો. આરોપીઓએ તેનું નામ બદલીને 'આઈષાબાનું' પાડી દીધું હતું. અંતે હિંમત ભેગી કરી મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં પાંચેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી