બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીંના પ્રખ્યાત મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા બે આશાસ્પદ યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ઉનાળાની ગરમી વચ્ચે ડેમના પાછળના ભાગે એકઠા થયેલા પાણીમાં આ યુવકો નાહવા માટે ઉતર્યા હતા, જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી બંનેના શ્વાસ રૂંધાઈ ગયા હતા. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વડગામ પંથકમાં અને ડેમ વિસ્તારમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે.
બંને મિત્રો મુક્તેશ્વર ડેમ પર ફરવા ગયા
મળતી વિગતો મુજબ, મૃતક યુવકોની ઓળખ વડગામના રહેવાસી કાળુભાઈ મદારી અને કરનાળા ગામના શ્રવણનાથ મદારી તરીકે થઈ છે. બંને મિત્રો મુક્તેશ્વર ડેમ પર ફરવા ગયા હતા અને ડેમના પાછળના ભાગે નાહવા પડ્યા હતા. જો કે, પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા બંને ડૂબવા લાગ્યા હતા.
યુવકોના મૃતદેહોને પાણીની બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક મદદે દોડી આવી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ બંને યુવકોના મૃતદેહોને પાણીની બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ડેમના કાંઠે પડેલા યુવકોના કપડાં અને મોબાઈલ ફોન પર સતત રીંગ વાગતી હોવાથી, સ્થાનિકોએ ફોન ઉપાડીને તપાસ કરતાં આ બંને યુવકોની સાચી ઓળખ થઈ શકી હતી.
પરિવાર પર આભ ફાટ્યું
જ્યારે આ કાળમુખા સમાચાર મૃતક યુવકોના પરિવારજનોને આપવામાં આવ્યા ત્યારે તેમના પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મુક્તેશ્વર ડેમમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. માત્ર બે દિવસ અગાઉ પણ એક અજાણ્યો યુવક અહીં નાહવા પડતા ડૂબી ગયો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું. આમ, એક જ સપ્તાહની અંદર મુક્તેશ્વર ડેમમાં ત્રણ-ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થતાં સ્થાનિક તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં ભારે ભયનો માહોલ છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ