ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, વાવ, થરાદ અને અમીરગઢ તાલુકા સહિતના પંથકમાં કાળા ડિબાંગ વાદળો અને પવનના સુસવાટા સાથે વાતાવરણ બદલાયું છે, જેને કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

કાપણીના સમયે જ આભ આફત બનીને ત્રાટક્યું

હાલમાં રવિ પાકની કાપણીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલો પાક જ્યારે તૈયાર થઈને ખળામાં આવવાની તૈયારીમાં છે, ત્યારે જ કુદરતે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. વાવ અને થરાદ જેવા સરહદી વિસ્તારોમાં આકાશમાં વાદળો ઘેરાતા રોકડિયા પાક જેવા કે ઇસબગુલ, વરિયાળી અને એરંડા પર ભારે જોખમ ઊભું થયું છે.

અમીરગઢમાં વરસાદી છાંટા શરૂ

અમીરગઢ તાલુકામાં પણ મૌસમે મિજાજ બદલ્યો છે. અહીં પવનના સુસવાટા સાથે વરસાદી છાંટા શરૂ થતા ખેતીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. જો વરસાદનું જોર વધશે તો ખેતરોમાં ઉભેલા ઘઉં, એરંડા અને તૈયાર થયેલી વરિયાળી તેમજ શાકભાજીના પાકને પાયમાલ કરી શકે છે.

ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ખેડૂતોના જણાવ્યા અનુસાર, ઇસબગુલ અને વરિયાળી જેવા પાકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. જો કાપણીના સમયે સામાન્ય વરસાદ પણ પડે, તો પાકની ગુણવત્તા બગડે છે અને બજારમાં તેના ભાવ મળતા નથી. વહેલી સવારથી છવાયેલા કાળા ડિબાંગ વાદળો અને બદલાયેલા પવને જગતના તાતને ચિંતાના ગર્તામાં ધકેલી દીધો છે.

આ પણ વાંચો: Vadodara: મસાલા મિલમાં 14 કરોડનું ‘મસાલેદાર’ કૌભાંડ, વિશ્વાસુ કર્મચારી જ નીકળ્યો ઉઠાવગીર