રાજ્યમાં અવારનવાર સર્જાતા માર્ગ અકસ્માતોની વણઝાર વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.દાંતા રપટ પાસે મુસાફરો ભરેલી એક કમાન્ડર જીપને ભયાનક અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી જીપના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.ચાલકે કાબુ ગુમાવતા જ અનિયંત્રિત બનેલી જીપ સીધી રોડ કિનારે આવેલા મુસાફરોના પિક-અપ સ્ટેન્ડમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત
આ ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે,જ્યારે 7 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.













