સુરતના કતારગામ વેડ દરવાજા નજીક આવેલા નાસીરનગર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પૂર્વ લેખિત નોટિસ આપ્યા વિના જ એકાએક 100થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાનો વિવાદ હવે અત્યંત ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. આ આખી ઘટના કોઈ સરકારી ઓર્ડર વિના જ 'મિસ્ટર ઈન્ડિયા' સ્ટાઈલમાં થઈ હોવાથી તેને 'ઘોસ્ટ ડિમોલિશન' તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિવાદના તાર હવે છેક સચિવાલય ગાંધીનગર સુધી જોડાતા રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને ગુપ્ત રાહે તપાસના આદેશો છૂટ્યા છે.
ઘર તોડી પાડવાની મોટી 'સોપારી' ફોડી હોવાની આશંકા
સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, વહીવટી તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસ વિભાગે મળીને સ્થાનિક ખાનગી બિલ્ડરના ઈશારે ગરીબોના ઘર તોડી પાડવાની મોટી 'સોપારી' ફોડી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ગાંધીનગરે સુરત શહેર પોલીસને આખી તપાસ પ્રક્રિયાથી તદ્દન બહાર રાખીને રેન્જ આઈજી ને ગુપ્ત અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. એટલું જ નહીં, આ મામલે સરકાર કક્ષાએથી સુરતના નવનિયુક્ત પદાધિકારીઓને તાત્કાલિક ગાંધીનગર તેડાવીને બંધ બારણે સખત પૂછપરછ અને વિગતો મેળવવામાં આવી છે.
તપાસનો અહેવાલ મંગાયો
બીજી તરફ, સ્થાનિક સ્તરે એસએમસી કમિશનર એમ. નાગરાજને આ મામલે આકરી તપાસ સમિતિ નીમીને જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માગ્યો છે, પરંતુ હજી સુધી સંપૂર્ણ રિપોર્ટ ન મળતા તંત્રની ધીમી ગતિ પર સવાલો ઉઠ્યા છે.
વિવાદીત ઇજનેર રજા પર ઉતરી ગયા
આ દરમિયાન વિવાદોમાં ઘેરાયેલા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાંગ જીવન રામજીવાલા અચાનક લાંબી રજા પર ઉતરી જતાં, તેઓ પોતાની ચામડી બચાવવા ભાગી રહ્યા હોવાના આક્ષેપો વિપક્ષ અને જનતા દ્વારા થઈ રહ્યા છે.
પ્રોજેક્ટને પ્લાન મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો
આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ડિમોલિશનમાં વપરાયેલા જેસીબ મશીનના માલિક અને 'શ્રી રામ એજન્સી' ના તેજુ ભાઈ રાજપૂતે ખુલાસો કર્યો કે, તેઓ મનપાના કામ માટે જ કોન્ટ્રાક્ટ હેઠળ 4 ફોકલેન અને 3 જેસીબી લાવ્યા હતા. આ તરફ જે બિલ્ડરના કન્સ્ટ્રકશન પ્રોજેક્ટને આલીશાન રસ્તો આપવા માટે આ આખું પાપ કરાયું, તેના જ પ્રોજેક્ટને પ્લાન મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો છે. હાલ આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં સુરત મનપા અને પોલીસના મોટા માથાઓ જેલભેગા થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચો--- Gujarat Latest News Live : ખુશખબર, દેશમાં ચોમાસાએ રોકેટ ગતિ પકડી, ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી