બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત ડીસા માર્કેટયાર્ડમાં આજે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટયાર્ડમાં આવેલા ગોડાઉન નંબર 324માં આ આગ લાગી હતી, જે જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આ ગોડાઉનમાં રાખવામાં આવેલા બારદાનના મોટા જથ્થાએ આગ પકડી લેતા કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ માર્કેટયાર્ડના કર્મચારીઓ અને વેપારીઓ એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે ડીસા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી.શોર્ટ સર્કિટ કે અન્ય કારણ?
આગની સૂચના મળતા જ ડીસા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલા લાખોની કિંમતના બારદાન બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે વેપારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.













