હિંમતનગરના કરણપુર પાટીયા પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરીને હાઈવેની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠથી વધુ લક્ઝરી ગાડીઓને ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ, નજીકમાં જ એક સમૂહ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેના કારણે મહેમાનોએ પોતાની ગાડીઓ હાઈવેના પટ્ટામાં પાર્ક કરી હતી. સદનસીબે, અકસ્માત સમયે ગાડીઓમાં કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાની ટળી છે, જોકે આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.


8 થી વધુ કારને મારી ટક્કર

અકસ્માતને પગલે હિંમતનગર-ગાંભોઈ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ગાંભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને ટ્રાફિક હળવો કર્યો હતો અને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો. ડમ્પર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો કે અન્ય કોઈ કારણ હતું, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. લગ્ન પ્રસંગની ખુશી વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

આ પણ વાંચો : Navsari પોલીસની મોટી કાર્યવાહી, ચીખલી હાઈવે પર ટેમ્પામાંથી રૂ. 50 લાખની રોકડ ઝડપાઈ


  • Follow us on: