થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં થતી નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસનો બંદોબસ્ત
રાજસ્થાનમાં દારૂની છૂટ હોવાથી 31 ડિસેમ્બરની ઉજવણી માટે મોટા પાયે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. આ પ્રવૃત્તિને ડામી દેવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અમીરગઢ સરહદ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી આવતી પ્રત્યેક નાની-મોટી ગાડીઓ, લક્ઝરી બસો અને ખાનગી વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
અમીરગઢ સરહદ પર લોખંડી બંદોબસ્ત
વાહનોના ચોર ખાનાઓ, સીટ નીચે અને સામાનની કડક તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ કેફી દ્રવ્ય ગુજરાતમાં ન ઘૂસે.શંકાસ્પદ ચાલકોની બ્રીથ એનાલાઈઝર મશીન વડે તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ ચાલક નશાની હાલતમાં પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.માત્ર દારૂ જ નહીં, પણ અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ ખડેપગે છે.
સીસીટીવી અને વીડિયોગ્રાફીથી મોનિટરિંગ
ચેકપોસ્ટ પર લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પોલીસ કર્મીઓ દ્વારા પણ વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસના આ કડક વલણને કારણે બુટલેગરો અને નબીરાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલમાં AMC ફૂડ વિભાગના દરોડા, 19 ફૂડ સ્ટોલમાંથી ઢોકળા, મોમોઝ અને માવા સહિતના ખાદ્ય નમૂના જપ્ત