બનાસકાંઠા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ડીસા અને ભીલડી પંથકના 10થી વધુ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પવિત્ર સ્થળોએ હાથફેરો કરતી આ ગેંગ પકડાતા ભક્તો અને મંદિર ટ્રસ્ટીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
પોલીસની વ્યૂહરચના અને સફળતા
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, જિલ્લામાં વધી રહેલી ઘરફોડ અને મંદિર ચોરીની ઘટનાઓને રોકવા માટે LCB ઇન્સ્પેક્ટરે ખાસ ટીમો બનાવી હતી. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પી.એસ.આઈ. પી.એલ. આહીરની ટીમ જ્યારે ડીસા ડિવિઝનમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે જૂના ડીસા વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ શખ્સો મળી આવ્યા હતા. તેમની કડકાઈથી પૂછપરછ કરતા ચોરીના એક પછી એક પ્રકરણો બહાર આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ અને તેમની મોડસ ઓપરેન્ડી
પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ભાવેશભાઈ પીરાજી ઠાકોર (રહે. લોરવાડા, ડીસા), ભરતસિંહ ચંપુજી રાઠોડ (રહે. મુડેઠા, ડીસા),લક્ષ્મણસિંહ અજમલજી રાઠોડ (રહે. મુડેઠા, ડીસા) આ આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ અન્ય સાગરીતો (કિરણસિંહ ઠાકોર, ગેમરસિંહ વાઘેલા અને નારણસિંહ વાઘેલા) સાથે મળીને રાત્રિના સમયે મંદિરોમાં પ્રવેશ કરતા હતા. તસ્કરો મુખ્યત્વે મંદિરની દાનપેટીઓના તાળા તોડી રોકડ રકમની ચોરી કરતા હતા.
મુદ્દામાલ અને ઉકેલાયેલા ગુના
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹40,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ડીસા અને ભીલડી વિસ્તારના ૧૦થી વધુ મંદિરોમાં થયેલી ચોરીની કબૂલાત આરોપીઓએ કરી છે. હાલમાં પોલીસ ફરાર થયેલા અન્ય ત્રણ સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Patan: તાળા તોડ્યા વગર ઘરમાં ઘૂસી તસ્કરોએ તિજોરીઓ કાપી, રૂ. 2.75 લાખના મુદ્દામાલની મત્તા સાફ